સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૩/૦૮/૨૦૨૪ના રોજ "મારી યુનિવર્સિટી, મારું ઋણ" સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ યુનિવર્સિટી પરિસરમાં સ્વચ્છતા, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ તથા સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.
આ કાર્યક્રમમાં એન.એસ.એસ. (NSS) ના સ્વયંસેવકો તેમજ માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યુનિવર્સિટી પરિસરની સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી. વિદ્યાર્થીઓએ સ્વચ્છ અને હરિયાળું શૈક્ષણિક વાતાવરણ જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. કમલસિંહ ડોડીયા દ્વારા માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે ભવનના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સાગર અમીપરા તથા ડૉ. હિરેન ચગ ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિશ્રીએ ભવનમાં ચાલી રહેલી શૈક્ષણિક તથા વિસ્તરણલક્ષી પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી અને વિભાગના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સામાજિક જવાબદારી, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે. માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા યુનિવર્સિટીની વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગિતા નોંધાવી વિદ્યાર્થીઓમાં જવાબદાર નાગરિકત્વના મૂલ્યો વિકસાવવાના સતત પ્રયત્નો કરવામાં આવે છે.